સુરતના લસકાણા વિસ્તારમાં લોકો ઉતરી આવ્યા રસ્તા પર, કરી વતનમાં જવા દેવાની માંગ

હાલ ચાલી રહેલા લોકડાઉનમાં લોકો વિવિધ અફવાઓને લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકડાઉન લંબાવવાની વાતની અફવા પર ધ્યાન આપી રસ્તા પર ઉતરીને કારીગરોએ ટાયર્સ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં સુધી કે, કારીગરોએ રસ્તેથી પસાર થતી એમ્બ્યૂલન્સ પર પણ પથ્થરમારો કરી નાખ્યો હતો. લોકડાઉન વધવાના અણસારને લઇને રોષે ભરાયેલા કારીગરોએ પરિસ્થિતીને તંગ બનાવી દીધી હતી.

જણાવી દઈએ કે લસકાણા વિસ્તારમ આવેલા ડાયમંડનગર, વિપુલનગર અને મારૂતિ નગરના ઉડીયા કારીગરો વતન જવાની જીદ લઇ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જમવા માટે એક એક કલાક લાઇનમાં રાખે છે અને ખિચડી ખવરાવે છે તેમ કહી ગતરાત્રે તોફાને ચઢ્યા હતા. 

આ રોષે ભરાયેલા કારીગરોએ લસકાણા ચેક પોસ્ટ નજીક રસ્તા ઉપર આડશ ઉભી કરી લારીઓ સળગાવી બાદમાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ઉપર અને રસ્તા પસાર થતા વાહનો ઉપર પણ પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે સરથાણા પોલીસે તોફાને ચઢનાર 1200થી 1300 કારીગરોના ટોળા વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કરી સ્થળ ઉપરથી 81 કારીગરોની ધરપકડ કરી હતી. આજે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે આજે સ્થળ ઉપર રેપીડ એક્શન ફોર્સ પણ ગોઠવી દેવાઈ હતી.

મળતી વિગતો મુજબ ગતરાત્રે સુરતના છેવાડાના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગર, વિપુલનગર અને મારૂતિનગરમાં આવેલા લુમ્સના કારખાનાઓમાં કામ કરતા ઉડીયા કારીગરો વતન જવાની જીદ લઇ તોફાને ચઢ્યા હતા. ખુબ મોટી સંખ્યામાં એકત્ર થયેલા કારીગરોએ લસકાણા ચેક પોસ્ટ નજીક રસ્તા ઉપર આડશ ઉભી કરી રસ્તા બંધ કરી દીધા હતા અને લારીઓ સળગાવી હતી. 

બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને પેટ્રોલીંગ હાથ ધરતા કારીગરો રોડ ઉપરથી ભાગી ગયા હતા. પોલીસે ત્યાં જંગી કાફલો ખડકી ચાંપતો બંદોબસ્ત ગોઠવી કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં સ્થળ ઉપરથી પોલીસે 81 કારીગરોની અટકાયત કરી હતી.

બાદમાં બનાવ અંગે પીએસઆઇએ 1200 થી 1300 જેટલા કારીગરો વિરુદ્ધ કોરોના મહામારી અંગે જાહેર થયેલા લોક ડાઉનની અમલવારી તોડી કોરોના વાઈરસની જાણકારી હોવા છતા સામાજીક અંતર નહીં જાળવી પોતાને વતનમાં જવા નથી દેતા અને સ્વૈચ્છિક સંસ્થાઓ જમવા માટે એક એક કલાક લાઇનમાં રાખે છે અને ખિચડી ખવરાવે છે તેમ કહી ડિવાઇડર ઉપરની લોખંડની ગ્રીલ તોડી નાખવાની કોશીશ કરી જાહેર મિલકતને નુકશાન કરી અવરોધ ઉભો કરી રસ્તે આવતા જતા વાહનો ઉપર તથા પોલીસ ઉપર પથ્થરમારો કરી રાયોટીંગ કર્યાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment